ફરિયાદ નહિ ધન્યવાદ……………..

શેખસાદી સાહેબ ફારસી ભાષાના બહુ મોટા વિદ્વાન હતા.એમને ચાલીસ વરસ ની ઉમર પછી ગ્રંથો વાચવાનું શરુ કર્યું હતું. વિશાલ વાંચનને લીધે સાદી સાહેબ ભારે વિચારક બની ગયા હતા.જેથી તેમને લખેલા ગ્રંથોને મોટા વિદ્વાનો પણ આજ સુધી પૂર્ણ રીતે સમજવા સમર્થ નથી બન્યા.

કહેવાય છે કે શ્રી (લક્ષ્મીજી) અને સરસ્વતી ને ક્યારેય મેળ જામતો નથી.શેખસાદી સાહેબ વિદ્વાન હતા પણ ગરીબ હતા.એમને પોતાની ગરીબી વારંવાર ખટકતી હતી.એકવાર મસ્જીદમાં અલ્લાને પ્રાર્થના કરતા તેમને કહ્યું : ‘ હે પરવરદીગાર ! તુ મારા પર આટલો બધો નાખુશ કેમ છો ? મેં એવી કઈ મોટી ભૂલ કરી નાખી છે,જેથી હું સુખેથી ખાઈ -પી શકતો પણ નથી.કમસેકમ તુ એટલી મહેરબાની તો કર.જેથી હું નિરાતે ખાઈ -પી શકું.

ખુદાતાલા જોડે ફરિયાદ સ્વરૂપે પ્રાર્થના કરીને જયારે સાદી સાહેબ બહાર આવ્યા…..ત્યારે તેમને અનેક ભીખારીઓ પોતાની નજર સમક્ષ જોયા.જેમાંથી કોઈ આંધળા હતા,કોઈક લુલા લંગડા હતા,તો કોઈક બહેરા હતા. આ જોતાજ તેમના ભીતરમાં રહેલો વિવેક જાગૃત થઇ ગયો.

શેખસાદી સાહેબ મસ્જીદમાં પાછા વળ્યા ,મસ્જીદમાંથી બહાર નીકળતી વખતે કરેલી ફરિયાદ ધન્યવાદ માં પલટાઈ ગઈ.

બે હાથ જોડી દુઆ દેતા તેઓ બોલ્યા: ‘ હે પરવરદીગાર તે મારા પર કેટલી બધી મહેરબાની કરી છે,બહાર ઉભેલા ભીખારીઓ માંથી કોઈને આંખ નથી મળી, કોઈને કાન નથી મળ્યા,તો કોઈને પગ નથી મળ્યા…જયારે મને તો આંખ/ કાન/પગ બધુંજ બરાબર મળ્યું છે,વળી એ બધા તો ભીખ માગીને ખાય છે.જયારે હું તો જાતે મહેનત કરીને કમાઈ ને ખાઉં છું ……. પ્રભુ ! તને જેટલા ધન્યવાદ આપું તેટલા ઓછા છે.