Gujarati

પરનિંદા…….

એક ગામમાં એક સંત પધાર્યા.સંતના પ્રવચનમાં આખું ગામ આવ્યું,આ ગામમાં એક માણસ એવો હતો કે જેને પરનિંદાનો ભારે રસ,
સાધુ સંત હોયકે સગા માબાપ હોય,લાગ મળે ત્યારે એ કોઈની નિંદા કરવામાં બાકી રાખતો નહિ.આખા ગામની સાથે એ પણ પ્રવચન
માં જોડાયો.સંતના કોઈ વીકપોઈન્ટ્સ મળી જાય એટલા માટે,પણ આ તો કમાલ થઇ,રોજના પ્રવચન સાંભળી એના જીવનમાં ભારે
પરિવર્તન આવ્યું.એને પોતાના પાપનું ભારે દુખ થયું.
 
એક દિવસ સંત પાસે આવીને તેને પ્રાર્થના કરી,ગુરુદેવ ! મેં આજ સુધીમાં ઘણાની નિંદા કરી છે,ભલભલા સાધુ સંતોને પણ મેં નથી
છોડ્યા.તમારું પ્રવચન સાંભળીને મારા જીવનમાં ખુબજ પરિવર્તન આવ્યું છે.કૃપા કરી મને પ્રાયશ્ચિત આપો.
સંતે પોતાની પાસે પડેલો એક કાગળ હાથમાં લીધો.એના થઇ શકે એટલા ઝીણામાં ઝીણા ટુકડા કર્યા.તમામ ટુકડાઓને સાચવીને
પેલા માણસના હાથમાં આપીને કહ્યું : આ તમામ ટુકડાઓ લઈને તમે ગામની વચ્ચે આવેલ ઊંચા ટાવર ઉપર ચઢી જાવ.પછી આ
તમામ ટુકડાઓને આકાશમાં ઉડાડી દેજો. પછી મારી પાસે આવજો.
 
પેલો માણસ તો વિચારમાં પડી ગયો.આ તે કેવું પ્રાયશ્ચિત ? પણ તેને સંતના જ્ઞાન પર ભરોસો હતો,સંતના કથન પાછળ પણ જરૂર
કંઈક રહસ્ય હશેજ.એમ સમજીને તમામ ટુકડાઓ લઈને ઊંચા ટાવર પર ચઢીને આકાશ માં ઉડાડી દીધા. હવા આવતાજ કાગળના
તમામ ટુકડા ચારે દિશામાં ફેલાઈ ગયા.
 
સંત પાસે આવીને પેલા માણસે કહ્યું; ગુરુદેવ ! આપણી આજ્ઞા મુજબ તમામ ટુકડાઓ મેં ટાવર પર ચઢીને ઉડાડી દીધા છે.હવેતો મારું
પ્રાયશ્ચિત પૂર્ણ થયુંને ? હવેતો હું શુદ્ધ થયોને ? કોઈ વિધીતો બાકી નથીને ? સંતે કહ્યું : હજી તારૂ અર્ધું જ પ્રાયશ્ચિત થયું છે.અર્ધું તો
બાકી છે.પેલા માણસે કહ્યું જે બાકી હોય તે કૃપા કરીને બતાવી દો, તો એ પ્રાયશ્ચિત પણ કરીને મારે પાપથી સંપૂર્ણ મુક્ત થવું છે.
 
સંતે કહ્યું : હવે કાગળના જેટલા ટુકડા તમે ઉડાડી દીધા છે તે બધા વીણી વીણી ને પાછા લઇ આવો.એક પણ રહી ન જાય તેની
કાળજી રાખજો.પેલો માણસ તો વિચારમાં પડી ગયો,એને ધોળે દિવસે તારા દેખાવા લાગ્યા.
 
એને કહ્યું : ગુરુદેવ ! આ કેવી રીતે બની શકે ?
સંતે કહ્યું : જો આ ન બની શકેતો નિંદાનું પ્રાયશ્ચિત પણ ન થઇ શકે. નિંદા એક ભયંકર પાપ છે જેનું પ્રાયશ્ચિત થવું મુશ્કેલ છે.
કારણકે આજ સુધીમાં તમે જેના જેના કાનમાં ઝેર રેડ્યું છે,તે બધાના કાનમાંથી આ ઝેર કઈરીતે સાફ કરશો ? શું તમે એ બધાને
ઓળખો છો ? તમે તમારી ભૂલનો સ્વીકાર કરવા એ બધાને એક સ્થાને ભેગા કરી શકશો ?
 
એક વાર નિંદાનો રસ પડી ગયા પછી તો તે છોડવો મુશ્કેલ…..બધું છોડી શકાય પણ આ નિંદારસનો ત્યાગ અતિ મુશ્કેલ…..
બોલો આ પાપ કેટલું મોટું છે ?
 
આટલું સાંભળ્યા પછી પણ જો નિંદાનો રસ ન જ છુટે તો આટલું કરજો…….
 
” નિંદા ન કરીએ પારકી, ન રહેવાય તો કરજો આપકી.