Uncategorized

વફાદાર ચોકીદાર…

એક રાજા પોતાના નગર માં છુપા વેશે ફરવા નીકળ્યા હતા.માર્ગ માં એક સિપાહી ને તેમને ચોકી કરતો જોયો,
રાજાને સિપાહી ની વફાદારી ની પરિક્ષા લેવાનો વિચાર આવ્યો. તેમણે એ સિપાહી ને ધર્મશાળા તરફ જવાનો
માર્ગ બતાવવાની વિનંતી કરી,સિપાહી એ થોડે સુધી ચાલી ને મુસાફર ના વેશમાં આવેલા રાજા ને ખુબ સભ્યતા
થી જરૂરી માહિતી આપી. રાજાને માર્ગ બતાવી સિપાહી પાછો પોતાની જગ્યાએ જવા લાગ્યો.
 
રાજાએ સિપાહી ને પાછો બોલાવી પોતાની સાથે આવવાનો આગ્રહ કર્યો. સિપાહી એ કહ્યું હું ફરજ પર છું તેથી સાથે
આવી શકીશ નહિ. રાજા એ તેને પૈસા ની લાલચ આપી,સિપાહીએ કહ્યું ,હું રાજાનો નોકર છું,ફરજ ના સમયે તમારી
પાસે પૈસા લઉં તો એ લાંચ જ ગણાય.રાજાએ વધારે ખાતરી કરવા સિપાહીને કહ્યું,હમણાં રાજા તને ક્યાં જોવાનો છે ?
ચલ મારી સાથે,તારું એ કામ થશે અને મારું એ કામ થશે.આ સાંભળી ને સિપાહી નો મિજાજ ગયો,તેને મુસાફર ના
વેશ માં ઉભેલા રાજા ને એક થપ્પડ મારી અને ચુપચાપ ચાલ્યા જવાનો હુકમ કર્યો.
 
બીજે દિવસે એ સિપાહીને દરબાર માંથી તેડું આવ્યું.દરબારમાં રાજાએ સિપાહી ને બનેલા બનાવ વિષે પૂછ્યું.
સિપાહી એ જે બન્યું હતું તે સાચેસાચું કહી સંભળાવ્યું.પોતે મુસાફરને થપ્પડ લગાવી હતી એ વાત તેણે દરબાર
માં બધાની વચ્ચે રાજાને કહી,રાજાએ સિપાહીને પૂછ્યું એ મુસાફર કોણ હતો તે તું જાણે છે ? ” સિપાહીએ કહ્યું
ના, જી.” રાજા એ ખુલાસો કર્યો ” એ મુસાફર હું પોતે જ હતો ” એ સંભાળીને સિપાહી ના હોશકોશ ઉડી ગયાં.
હવે રાજા શી સજા કરશે એ વિચારે તેના પગ ધ્રુજવા લાગ્યા. પરંતુ રાજાએ તરત તેની ચિંતા દૂર કરી.તેમણે
સિપાહીની વફાદારી ની તારીફ કરી અને રાજ દરબાર માં ઊંચો હોદ્દો આપ્યો.
 
વફાદારી અને પ્રમાણિકતા કામ કરનાર મનાવી એ સિપાહીની જેમ હંમેશાં સુખી થાય છે…….