Gujarati

પરધન પથ્થર સમાન……………

સંત નામદેવના સમયમાં પંઢરપુરમાં એક ગરીબ દંપત્તિ વસ્તુ હતું.પતિનું નામ રાંકા અને પત્ની નું નામ બાંકા.સંપત્તિથી ગરીબ હોવા છતાં સ્વભાવે તેઓ ત્યાગી અને સંતોષી હતા.બન્ને જણા રોજ જંગલમાં જાય અને સુકા લાકડા ભેગા કરી શહેરમાં લાવીને વેચી દેતા.એમાંથી જે મળે તેનાથી પોતાનું ગુજરાન ચલાવતા.
 
એક દિવસ સંત નામદેવને આ દંપતીના દારિદ્રય (ગરીબી) ના સમાચાર મળ્યા.તેઓને ખુબ દુઃખ થયું.તેમને પંઢરપુરના વિઠોબાને પ્રાર્થના કરી: હે પ્રભુ ! આવા ગુણીયલ જીવોને કેટલું હેરાન થવું પડે છે.માટે આ બન્નેની પરિસ્થિતિ સુધરે એવું કંઈક તુ કર, સામેથી ઉત્તર મળ્યો: રાંકાને ધનની જરાપણ ઈચ્છા નથી,પરિક્ષા કરવી હોય તો જંગલમાં જઈને જોઈ લેજે.
 
બીજા દિવસની સવાર પડી રાંકા અને બાંકા રોજની જેમ સુકા લાકડા લેવા જંગલમાં જઈ રહ્યા હતા.રાંકા આગળ ચાલતો હતો અને તેની પત્ની બાંકા પાછળ ચાલતી હતી.નીચી નજરે ચાલતા રાકાની નજર નીચે પડેલી સોનામહોર પર ગઈ.રાંકાએ પાછળ જોયું તો બાંકા થોડે જ પાછળ હતી.
 
કારમી ગરીબી,વિકરાળ ભવિષ્ય વિગેરે નિમિત્તો રાંકાની સામે ડાચું ફાડીને ઉભા હોવા છતાં રાંકા એ સોનામહોરો લેવા જરાય ન લલચાયો,ઉલટું એને એવો વિચાર આવ્યો…હું તો મક્કમ રહી શક્યો,ક્યાંક બાંકા ઢીલી ન પડી જાય.બાંકાની મતિ બગડી ન જાય માટે બાંકા નજીક આવે તે પહેલા એ સોનામહોરો પર જલ્દી જલ્દી ધૂળ નાખવાનું ચાલુ કર્યું.ધૂળથી બધી સોનામહોરો ઢાંકે તે પહેલા બાંકા નજીક પાસે ગઈ.અને પુછવા લાગી,
શુ કરો છો ?
રાંકા એ જવાબ આપ્યો કાંઈ નહી.
ખોટું ના બોલો.મારા થી શામાટે છુપાવો છો ?
જે હોય તે સાચું  કહી દો.બાંકા એ અત્યંત આગ્રહ કર્યો એટલે રાંકાએ કહ્યું : અહી સોનામહોર પડી હતી.એના પર ધૂળ નાખતો હતો.
કેમ ?
ક્યાંક તારું મન લલચાઈ ન જાય એટલે.
બાંકા હસી પડી.એણે કહ્યું : આટલા વર્ષોથી હું તમારી સાથે રહું છું છતાં તમે મને ઓળખી ન શક્યા ?
કમાલ છે ! તમે સોનાને સોના રૂપે જુઓ છો…. બાકી તો પરધન પથ્થર સમાન…. એ ન્યાયે તો આ સોનામાં ને ધૂળમાં શુ અંતર છે ? કે આપ આ સોનામહોરો ઢાંકવા બેઠા.ધૂળ પર ધૂળ નાંખો કે ન નાંખો…. બધું સરખું છે.
 
 
પત્નીને પોતાનાથી એક ડગલું આગળ જતી જોઇને રાંકા ખુશ થઇ ગયો.હાથમાં રહેલી ધૂળ એણે નીચે ફેકી દીધી.બન્ને જણ આગળ ચાલવા લાગ્યા.
 
પાછળથી આ ઘટના જોતા નામદેવને આ દંપતિની આગળ પોતાની જાત સાવ વામણી લાગી.