Gujarati

તમે મારા પપ્પા પરમેશ્વર છો…….

પચાસ વરસ ની ઉંમરના દાસભાઈ વૃધ્ધાશ્રમ માં ગયાં,અને ત્યાંના કુલપતિ ને કહ્યું મને તમારા વૃધ્ધાશ્રમ માં રાખશો ?
મારી પાસે ફી ભરવા ફૂટી કોડી પણ નથી. જો તમે મને તમારા વૃધ્ધાશ્રમ માં રહેવા દેશો તો બહુ સારૂ, મારા દીકરાએ
પત્ની ની વાત થી ભરમાઈને મને ઘરમાંથી પહેર્યા કપડે વિદાય આપી.એની મમ્મી, એ જયારે પાંચ વરસનો હતો ત્યારે
મૃત્યુ પામી.એની મમ્મી ના ગયાં પછી હું જ એની મમ્મી અને પપ્પા બન્યો. બેઉ લાભ મને મળ્યા.કંઈ વાંધો નહિ !
એનો દોષ નથી.
 
કુલપતિએ કહ્યું ભાઈ આ આશ્રમમાં બાર જણ ની સંખ્યા છે,જોઈતું ફંડ મળતું નથી તેથી આ વૃધ્ધાશ્રમ બંધ કરવાના દિવસો
ગણાઈ રહ્યા છે, જુઓ તમે આ બધું સંભાળી લેતા હોવ તો હું હવે આ હોદ્દો છોડવા માગું છું. ખુબ ત્રાસી ગયો છું, તમે આવો
તો બાર ભેગા તેર પણ અહી ખાવા -પીવા વગેરે કોઈ વાતનું ઠેકાણું નથી. તમે બધું સમજી લઇ નક્કી કરો આ આખી સંસ્થા
તમારે હવાલે કરવા તૈયાર છું.
 
દાસભાઈ એ જોયું વૃધ્ધાશ્રમમાં ૭૦-૭૫ વરસ ના વૃધ્ધો હતા,અને પોતે પચાસ વરસ ના, મનમાં વિચાર આવ્યો કે પોતાને
સેવા કરવાનો મોકો મળી રહ્યો છે,પોતે શશક્ત છે અને રોટલા અને ઓટલાની જરૂર પણ છે એટલે કુલપતિને જણાવ્યું કે જુઓ
ભાઈ તમારે છુટા થવું હોય તો ભલે હું તમારી જગ્યાએ કામ કરવા તૈયાર છું. આ રીતે મને ઋણમુક્ત થવાનો લાભ મળશે અને
મારી સૂઝ અને શક્તિનો પણ ઉપયોગ થશે.
 
બીજા દિવસે કુલપતિ એ દાસભાઈને સંસ્થાનો હવાલો સોપી, બધા વૃધ્ધોને મળી ભારે હૈયે અને અશ્રુભીની આંખે વિદાય લીધી.
દાસભાઈ એ ભારે ઉત્સાહ થી સંસ્થા નો હવાલો લઇ લીધો. અને એ સંસ્થાને એટલી વ્યવસ્થિત અને સધ્ધર બનાવી કે એક
દસકામાં વૃધ્ધો ની સંખ્યા એકસોત્રીસ થઇ ગઈ. અને દાસભાઈ હવે દાસકાકા ના નામે ઓળખાવવા લાગ્યા.
 
સમય જતા વાર ન લાગી, જોત જોતામાં ત્રીસ વરસ નીકળી ગયાં અને દાસકાકા પણ એંસી વરસના થઇ ગયાં.પોતાના
હંગામી તરીકે તેમને એક માણસ તૈયાર કર્યો તેનું નામ હતું ભાઈલાલભાઈ.બહુ સરસ મજાના એ ભાઈલાલભાઈ મોજી અને
આનંદી હતા. છતાં પણ આશ્રમવાસીઓનું હેત દાસકાકા પર અનોખું હતું. ભાઈલાલભાઈ પણ દાસકાકા સૂચનો આપે તે રીતે
કામ કરતાં હતા.
 
એક સમી સાંજ ની વાત છે. તે વખતે પતિ-પત્ની ના યુગલે આશ્રમ માં પ્રવેશ કર્યો, પંચાવન આસપાસ ની ઉંમરનું આ યુગલ
ચીથરેહાલ અને ખુબ પરિશ્રમ થી થાકેલ અને ઉદાસ ચહેરે આશ્રમમાં નિવાસ કરવા આવ્યું હતું . દાસકાકા એ જોયા વ્હાલભર્યા
મધુર શબ્દોથી બંનેને સત્કાર્યા.ભાઈલાલભાઈ એ સવાલ કર્યાં અને આશ્રમમાં પ્રવેશ માટે કારણરૂપ બાબતો જાણવાની ઈચ્છા
વ્યક્ત કરી.
 
નવા આવનાર ભાઈએ દાસકાકા ને જણાવ્યું કાકા અમે બે પતિ-પત્ની છીએ અમારે બે પુત્રો છે,બંનેને ભણાવી મોટા કર્યાં પરણાવ્યા,
બન્નેની પત્નીઓ પૈસાદાર કુટુંબ માંથી આવી છે.પણ કોણ જાણે રોજ કોઈ ની કોઈ બાબતે ઘર માં રમખાણ થતાં હતા,મારી સઘળી
મૂડી ખરચી અને શાંતિ મેળવાવા મેં નાનાને અલગ જગ્યા લઇ આપી. થોડા મહિના બધું બરાબર ચાલ્યું. હવે અમો બન્ને પણ તેમને
નડતાં હોઈએ તેમ અમને ઘરમાંથી કાઢી મુક્યા, લાચાર એવા અમે સગા-સબંધી -મિત્રો વિગેરેને ત્યાં આશરો માગવા ગયાં પણ કોઈ
એ અમને જરા પણ દાદ ન આપી અંતે અમારે અહી આવવું પડ્યું બોલતા બોલતા ભાઈ બેહોશ થઇ ગયાં.થોડીવાર પછી હોશ
આવતા દાસકાકા એ પૂછ્યું તમારા બા અને બાપા..! મારી બા તો હું જયારે પાંચ વરસનો હતો ત્યારે મને મારા બાપાને ભરોશે મુકી
દેવલોક થઇ ગયાં હતા. અને મારા બાપુજી……….ત્યાં તેની પત્ની બોલી એમના બાપુજીને મેં જ કાઢી મુક્યા એ વાતને આજે લગભગ
ત્રીસ વરસ વીતી ગયાં,એમનો કોઈ પત્તો નથી અને અમે તે માટે કોઈ પ્રયત્ન પણ કર્યો નથી.એટલા બધાએ સારા માણસ હતા કે
વાત ન પૂછો પણ જમાનાવાદ થી છટકી બનેલી મેં મારા આ પતિને ભંભેરી ને તેમેને ઘર નિકાલ કર્યાં.
હાય ! કદાચ તેમાંનો જ હાયકારો લાગ્યો હશે, એટલે અમારા દીકરાઓએ કુકર્મોની સજા કરી અમને કાઢી મુક્યા.
 
દાસકાકા શાંત ચિત્તે બધું સાંભળી રહ્યા તેમને કહ્યું બહેન ! હવે એ બધી વાત મારે તમને યાદ કરાવવી નથી. પછી ભાઈલાલભાઈ
ને કહ્યું ફોર્મ ભરીને બન્ને ને આશ્રમ દાખલ કરો. દાસકાકા ઉઠીને પોતાની રૂમમાં ગયાં. દીકરા ધ્વારા અપાયેલું દુખ પોતે ત્રીસ ત્રીસ
વરસ સુધી જીરવી શક્યા પણ દીકરાને માથે આવી પડેલું દુ:ખ તેઓ ત્રીસ મિનીટ પણ જીરવી ન શક્યા.પોતાનો અંત સમય નજીક
 àª²àª¾àª—્યો અને એક ચિઠ્ઠી બનાવી…. ચીર નિદ્રામાં પોઢી ગયાં.
 
એક કલાકે તેઓ જયારે બહાર ન આવ્યા ત્યારે ભાઈલાલભાઈ તેમની પાસે ગયાં.જોયું તો દાસકાકા નિશ્ચેષ્ટ બનીને પથારી માં
પડ્યા હતા.તેમના પ્રાણ ચાલી ગયાં હતા,પોતાની બાજુમાં એક કાગળ પડ્યો હતો.ભાઈલાલભાઈ વાંચી ને સ્તબ્ધ થઇ ગયાં.
” હે ભગવાન ” શબ્દો તેમના મુખ માંથી સરી પડ્યા.
 
આશ્રમ વાસીઓ ને દાસકાકા અચાનક અવસાનના સમાચાર આપ્યા કે આખા આશ્રમમાં રોકકળ થઇ ગઈ. નવા આગંતુક
પતિ-પત્ની પણ રડતાં રડતાં બોલ્યા,અમારા કેવા અમંગલ પગલાં કે દાસકાકા વિદાય થઇ ગયા. સ્મશાન યાત્રા નીકળી,
અગ્નિદાહ દેવા નો સમય આવ્યો, ભાઈલાલભાઈએ પેલા નવા આગંતુક ભાઈ ને કહ્યું તમે અગ્નિ દાહ આપો. તમે અગ્નિદાહ
આપો તેવી તેમની અંતિમ ઈચ્છા હતી…તેઓ પત્ર માં લખીને ગયા છે………….….ભાઈલાલભાઈ વેદના ભર્યા સ્વર માં કહ્યું.
 
આ રહસ્ય પેલા નવા આગંતુક ભાઈ ન ઉકેલી શકયા….ઉકેલી પણ ક્યાંથી શકે ? પોતે પણ અત્યારે જમાનાવાદના ખપ્પરમાં
લપટાયા હતા અને ખુદ ભારે પરેશાની અને બેચેની અનુભવી રહ્યા હતા એટલેજ પોતાના બાપા ને પણ ન ઓળખી શકયા.
 
બીજે દિવસે શોક સભામાં ભાઈલાલભાઈએ પેલી ચિઠ્ઠી વાચી.તેમાં લખ્યું હતું ભાઈલાલ મારા સંતાને મને કાઢી મુક્યો તેનું
મને જરાપણ દુ:ખ ન હતું પણ આજે તેને તેની પત્ની સાથે મોટા દીકરાએ કાઢી મુક્યા,તેમને આ આશ્રમ માં પહેર્યા કપડે
આવવું પડ્યું તેનો મને અસહ્ય આઘાત લાગ્યો છે હું હવે જીવી નહિ શકું,મારા એ દીકરાના હાથે જ મારો અગ્નિ સંસ્કાર કરાવજો.
બધા વહાલા આશ્રમ વાસીઓ ને મારા લાખ લાખ પ્રણામ….
 
દીકરો બોલી શકવાની હાલતમાં ન હતો છતાં મનમાંજ બાપુજીને પ્રણામ કરતાં બોલ્યો, વાહ બાપુજી તમને મેં ત્રીસ વરસ સુધી
યાદ પણ નથી કર્યાં છતાં તમારી કેવી ઉદારતા ઘડીક ના મિલાપ માં તમે મને અગ્નિ દાહ નો મોકો આપ્યો.
તમે મારા પપ્પા પરમેશ્વર છો….બોલતા…બોલતા..જમીન પર ઢળી પડ્યો.